રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ કેટલાંક મહત્વના નિર્ણયો લેવાય છે.
જે અનુસાર આઠ મહાનગરો ઉપરાંત 19 નગરોમાં આજથી 29 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. કરફ્યૂનો સમય રાત્રે 10થી સવારે છ વાગ્યા સુધીનો રહેશે.
આઠ મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આણંદ, નડીયાદ, સુરેન્દ્રનગર, ગોંડલ, જેતપુર, કાલાવાડ, ગોધરા, નવસારી, બિલીમોરા, વ્યારા, વલસાડ, વાપી, ભરૂચ અને અંકલેશ્વરમાં આ રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો છે.
આ ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટમાં 24 કલાક હોમ ડિલીવરી ચાલુ રાખી શકાશે. દુકાનો, લારી-ગલ્લા, મોલ, કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ સહિત બજારો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 વ્યક્તિઓ ભેગા થઈ શકશે.